પાડોશી વચ્ચે થયેલ સામાન્ય બાબતના ઝઘડાનો ખાર રાખી થયેલા હુમલામાં આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે પાડોશમાં રહેતા શખ્સે રાત્રીના ભાગે પાડોશીના ઘરનો દરવાજો ખખડાવ્યાની રાવ લઇ મૃતકની પત્ની તથા પુત્રવધુ પાડોશી પાસે ગયા હોય જે બાબતનો ખાર રાખી બપોરના ભાગે આધેડ ઘર પાસે એકલા હોય ત્યારે પાડોશીએ આવી આધેડને તીક્ષ્ણ હથિયારના માથામાં તથા શરીરે આડેધડ ઘા મારતા જે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ આધેડનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નિપજયુ હતું. ત્યારે સમગ્ર હત્યાના બનાવમાં મૃતકના પુત્રની ફરિયાદના આધારે પાડોશી એવા હત્યારા વિરુદ્ધ ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હત્યારાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે જીઇબી પાવરહાઉસ સામે રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ આઘારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મયુરભાઈ હરખાભાઇ માલણીયાત રહે.જેતપર(મચ્છુ) વિરુદ્ધ ફરિયાદીના પિતાને માથામાં તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યા અંગે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસીની હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર હત્યાના બનાવની ટૂંક વિગત મુજબ જેતપર ગામે રહેતા ફરિયાદી અરવિંદભાઈની પત્ની તથા માતા ગઈકાલે તા. ૨૭/૦૫ ના રોજ તેમની પાડોશમાં રહેતા હત્યારા આરોપી મયૂરભાઈના ઘરે આરોપીની રાવ કરવા ગયા હતા કે તા.૨૬/૦૫ની રાત્રીએ આરોપી મયૂરભાઈએ ફરિયાદી અરવિંદભાઈનો ઘરનો દરવાજો કેમ ખખડાવ્યો હતો જેથી આરોપીની પત્ની અને માતા સાથે સામાન્ય બોલાચાલી ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી આરોપી મયૂરભાઈએ બપોરના સમયે ફરિયાદીના પિતા ચંદુભાઈ અઘારીયા ઘર પાસે એકલા હોય ત્યારે આરોપી મયૂરભાઈએ ચંદુભાઈ ઉપર તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી હુમલો કરી મયુરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
હુમલાના બનાવમાં ચંદુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ તેઇને જેતપર સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવારમાં મોરબી બાદ રાજકોટ રીફર કરાયા હતા જ્યાં ટૂંકી સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચંદુભાઇએ થયેલ ગંભીર ઇજાઓને કારણે દમ તોડ્યો હતો ત્યારે બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી આરોપીની અટકાયત કરવા તપાસના ચાજરો ગતિમાન કર્યા છે.