મોરબીમાં મારામારીનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં વધુ એક મારામારીની ઘટનામાં એક નિર્દોષનું જીવ હોમાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઘર પાસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બે પાડોશીઓ બોલાચાલી થઇ હતી. જેમાં મામલો બિચકાતા બોલાચાલી ઉગ્ર બની હતી અને એક ઈસમે યુવાક પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતા લાખાભાઇ ગઢવીનો વલી નામના શખ્સ સાથે તેના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે ઝગડો થયો હતો. જે બાબતે પાડોશમાં જ રહેતા રાજેશદાન અમરદાન ગઢવી આરોપી ને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ રાજેશદાન અમરદાન ગઢવીને છરીના ઘા ઝીકી દેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ત્યારે બનાવને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.