મોરબીમાં આવારા તત્વો અવાર નવાર હથીયાર બંધીનાં જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં મારામારી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના કણકોટ ગામેથી સામે આવી છે. જ્યાં રેતીની ગાડી ખાલી કરાવવા જગ્યા બતાવવા ગયેલા આધેડને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, ગઈકાલે બપોરના સમયે વાંકાનેરના કણકોટ ગામે આવેલ એક શેરી પાસેમાં મોહન માવજીભાઇ ગામોટ નામના 46 વર્ષીય આધેડ રેતીની ગાડી ખાલી કરાવવા માટે જગ્યા બતાવવા જતા હતા. ત્યારે યાકુબ હાજીભાઇ શેરસીયા નામના આરોપીએ મોહનને અટકાવી અને અહી રસ્તેથી નહી ચાલવા કહીને ધમકાવ્યા હતા અને જેમ તેમ ગાળો ભાંડી માથાના તથા જમણા હાથના ભાગે લોખંડના પાઇપ વતી મુંઢ માર માર્યો હતો. જેને કારણે ફરિયાદીને ઈજાઓ પહોંચવા પામી હતી. તેમજ આરોપીએ મોહનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સમગ્ર મામલે મોહન માવજીભાઇ ગામોટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.