ભત્રીજા સાથે પેટીયુ રળવા આસામથી આવતાં આધેડને મોરબીના બાવરવા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં બેસવા મુદ્દે અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ શ્રમિક આધેડને ચાલુ ટ્રેને ધક્કો મારી નીચે ફેંકી દેતા આધેડને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો…
મળતી વિગત મુજબ, કચ્છ-ગાંધીધામમાં આવેલી જીગર કંપનીમાં રહેતા બિનેશ્ર્વર બિપીનભાઈ બાસુમત્રાય નામના 53 વર્ષના આધેડ કામખીયા ગાંધીધામ એકસપ્રેસ ટ્રેનમાં બેસીને જઈ રહ્યાં હતાં. ત્યારે મોરબીના બરવાડા રેલવે સ્ટેશન પાસે અજાણ્યા શખ્સોએ બેસવા મુદ્દે ઝઘડો કરી આધેડને ધક્કો મારી ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધા હતાં. આધેડને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે મોરબી અને ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત આધેડ મુળ આસામના વતની હોવાનું અને ભત્રીજા વિશ્ર્વ સાથે આસામથી નોકરી કરવા આવ્યા હતા. ત્યારે ટ્રેનમાં બેસવા મુદ્દે ઝઘડો થતાં અજાણ્યા મુસાફરોએ ચાલુ ટ્રેને ધક્કો મારી નીચે ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.