મોરબીમાં વ્યાજંકવાદ ચરમસીમાએ પહોંચી ગયું હોય તેવું લઇ રહ્યું છે. મોરબીમાં ગઈકાલે રાજકોટ રેન્જ આઇ.જી.ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જનસંપર્ક સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને પોત પોતાની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં ટંકારાના એક આધેડે પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વ્યાજખોરે તેની પાસેથી બળજબરીથી જમીનના કાગળો પર સહી કરવા દબાણ કરવામાં આવતું અને હત્યા નિપજાવવા ધમકી આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારાના ઉમિયાનગરમાં રહેતા અને ખેતી તથા અનાજ દળવાની ઘંટી ચલાવતા કાન્તીલાલ દેવશીભાઇ તાલપરા નામના આધેડે જેતે સમયે ફડસરવાળામાં રહેતા મહેશભાઇ બોરીચા તથા વિરમભાઇ નાગદાનભાઇ સોઢીયા પાસેથી રૂ.૭,૩૦,૦૦૦/- વ્યાજે લીધા હતા. જેને લઇ વ્યાજખોરોએ ફરીયાદીના નામના ઉમીયા નગર સર્વેનંબર -૨૪૭ વાળી સાડા આઠ વિઘા જમીનના કાગળો કરાવી લઇ અને મહિને પાંચ ટકા લેખે રૂપિયા ૪,૫૦,૦૦૦/- વ્યાજના મેળવી લઇ છેલ્લા આઠ માસથી આર્થીક પરિસ્થીતી નબળી હોવાના કારણે વ્યાજ નહિ આપી શકતા ફરીયાદીની જમીન પોતાના નામે કરી લેવા રેવન્યુ શાખામાં અરજી કરેલ અને ફરીયાદીએ નોટીશમાં સહિ નહિ કરતા આરોપીએ ફરીયાદી તથા તેના સાથી રજનીકભાઇને ટંકારામાં રોકી રૂપીયા ૧૨ લાખ વ્યાજ અને મુદલ રકમ આજે જ આપવાની અથવા નોટીશમાં સહિ કરી આપવા જમીન પોતાના નામે કરી આપ નહિતર તને પતાવી દઇશ તેવી મોત નિપજાવવાની ધમકી આપી બળજબરીથી ફરીયાદીની જમીન હડપ કરી જવા નોટીશમાં સહિ કરવા બળજબરી કરી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.