મોરબી ફાયર વિભાગે ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી બહાર કાઢ્યો.
મોરબી-ટંકારા હાઈવે પર આવેલા બાર નાળા પરથી ૧૭ વર્ષીય યુવકે નદીમાં ઝંપલાવતાં ચકચાર મચી હતી. મોરબી ફાયર વિભાગે ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહને બહાર કાઢ્યો અને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
મોરબી-ટંકારા હાઈવે પર આવેલ બાર નાળા નજીક એક દુઃખદ બનાવ બન્યો છે. જેની મળતી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ પોતાનું મોટર સાઇકલ રોડ પર મૂકીને નદીમાં છલાંગ લગાવી દીધી હતી. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગ અને ટંકારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં આ બનાવ અંગેનો કોલ સાંજે ૬.૩૫ કલાકે પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ મોરબી મહાનગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ ચાર કલાકની શોધખોળ બાદ રાત્રે ૧૦.૧૫ કલાકે નદીમાંથી એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ બંસીભાઈ પ્રવીણભાઈ કટારીયા (ઉંમર ૧૭ વર્ષ) તરીકે કરવામાં આવી છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને લઈને ટંકારા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે









