‘બિપરજોય’ વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. ત્યારે મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક મોબાઈલ ટાવર તથા વાંકાનેર નજીક આવેલ સેનેટરી વેર ફેકટરનો શેડ પણ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, અરબસાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી અને ત્યારથી જ તેઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષ પર લગાવેલ મોબાઈલ ટાવર ધરાશાયી થયું હતું. જો કે, બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. તેમ જ મોરબીમાં ભારે પવનને કારણે ઠેર-ઠેર નુકશાન થયું હતું. જેમાં વાંકાનેર નજીક આવેલ સેનેટરી વેર ફેકટરનો શેડ તૂટી પડ્યો હતો. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. સદ્નસીબે આ બનાવમાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.