માળીયા(મી)ના ભીમસર ઓવરબ્રિજ ઉપર પુરઝડપે આવતા ડમ્પરે રાપર કચ્છના કાકા-ભત્રીજાને મોટરસાયકલ સહિત હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોટર સાયકલ પાછળ બેઠેલ ભત્રીજાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અકસ્માતના બનાવ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, રાપર નવાપરા(કચ્છ)માં રહેતા શામજીભાઈ ખોદભાઈ ગોહિલ ઉવ.૩૦ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીવાય-૦૦૦૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, ફરીયાદી તથા તેઓના કુંટુંબી ભત્રીજા દિનેશભાઇ માવજીભાઇ ગોહીલ ઉવ.૨૪ રહે.રાપર નવાપરા તા.રાપર જી.કચ્છ વાળાને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ અકસમાત કરી ફરીયાદીને જમણા પગે ઢીચણના ભાગે તથા કમરના ભાગે સામાન્ય ઇજાઓ તથા દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોચતા દીનેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.