ખાનગી શાળાઓની જેમ મનફાવે તેમ સારવારના નામે ચાર્જ વસૂલાતી પ્રાઈવેટ હોસ્પિટલો મામલે વિધાનસભામાં આવાજ ઉધ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં થતી મોંઘી સારવાર અને સર્જરી માટે પણ ભાવ બાંધણું કરવા માટે એફઆરસી નિમવાની માંગણી વિધાનસભામાં પણ કરવામાં આવી હતી. તેને વ્યાપક જનસમર્થન પણ મળી રહ્યું છે.
ધારાસભ્ય ધવલસિંગ ઝાલાએ વિધાનસભામાં ખાનગી શાળાઆમાં જે રીતે ફીના ધારાધોરણો નક્કી કરવા એક સમિતિ બની છે. તેવી જ રીતે પ્રાઇવેટ હોસ્પિટલોમાં મોંઘી સારવાર અને સર્જરી માટે પણ ભાવો નિયત કરવા માટે એક પૂર્ણકક્ષાની કાયમી હાઈપાવર કમિટી નિમવાની માંગણી ઉઠાવી હતી, તેને રાજ્યભરમાંથી વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. જેની કારણ એ છે કે, અત્યારે ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. મોટાભાગની હોસ્પિટલો, ખાનગી તબીબો સારવાર કે શસ્ત્રક્રિયાના બીલો કાં તો આપતા હોતા નથી અથવા તો પૂરી રકમના બીલો અપાતા હોતા નથી. આ પ્રકારની રાવ કરતા ધવલસિહે કહ્યું હતું કે, એક હોસ્પિટલમાં કોઈ સર્જરીના એક લાખ લેવામાં આવતા હોય તો તે જ પ્રકારની સર્જરીના તે જ પ્રકારની સવલતો ધરાવતી અન્ય હોસ્પિટલોમાં દસ લાખ પણ લેવામાં આવતા હોય છે. જે અયોગ્ય છે. હોસ્પિટલોનું કોઈ પ્રિન્ટેડ, વેબસાઈટ કે નોટીસ બોર્ડ પર પ્રાઈવેટ લીસ્ટ મૂકવામાં આવતું હોતું નથી કે ઉઘાડી લૂંટ સામે લાચાર દર્દીઓ કાંઈ કરી પણ શકતા હોતા નથી. કારણ કે, તેઓની પ્રાથમિકતા પોતાની તે પોતાના સ્વજનની ઝડપી સારવાર થાય અથવા જીવ બચે તે જ હોય છે. જેનો હોસ્પિટલ સંચાલકો ગેરફાયદો ઉઠાવીને નિર્દય રીતે ગરીબો તથા માધ્યમ વર્ગના લોકોનું આર્થિક શોષણ કરતા હોય છે. જેના પર કોઈને કોઈ નિયંત્રણ હોવું જ જોઈએ તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ધારાસભ્ય ધવલસિંગ ઝાલાએ વિધાનસભામાં એવી વાત કરી કે, ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતી હોસ્પિટલો સુધી સામાન્ય કે ગરીબ લોકોની પહોંચ હોતી નથી. તેમ છતાં ઘણી વખત દર્દીને બચાવવા કે સારી સારવાર માટે કેટલાક લોકોને પોતાની માલ-મિલકત કે ઘરેણા પણ વેચવા પડતા હોય છે. ખાનગી શાળાઓ પણ ઈત્તર પ્રવૃત્તિઓ તથા સુવિધાઓના નામે ઉઘાડી લૂંટ ચલાવતી હતી. તેના પર નિયંત્રણ માટે જેવી રીતે એફઆરસી નિમાઈ છે. તેવી જ રીતે ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો તથા હોસ્પિટલો માટે પણ કન્સલ્ટીંગ ફીથી લઈને તમામ પ્રકારની સારવાર કે શસ્ત્રક્રિયાઓ તથા લેબ ટેસ્ટીંગ વગેરે માટે પણ કોઈને કોઈ ભાવ બાંધણું કે વસુલાતી ફી-ચાર્જ પર અંકુશ તો હોવો જ જોઈએ. તેમ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિધાનસભામાં જણાવ્યું હતું.