મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એક બાદ એક જીવલેણ હુમલા, મારામારી સહિતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં સાળા બનેવી પર હથિયારોથી જીવલેણ હુમલો કર્યો છે. બનાવમાં બંને સાળા બનેવી ઈજાગ્રસ્ત થતા લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં સામાં કાંઠા વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ નજીક ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં દસ જેટલા ઈસમોએ સ્થળ પર ધસી આવી ફતેમામદ કટિયા અને જુસબ નામના સાળા બનેવી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેને છરીના આઠ જેટલા ઘા ઝીંકવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે અસલમ હાજીભાઈ ખોડ, શાહરુખ હાજીભાઈ ખોડ, અલતાફ હાજીભાઈ ખોડ, રાહુલ કોળી, અનિસ સુમરા, સાહિલ ઉર્ફે બાડો જેડા, રિયાઝ જેડા, રમઝાન મોવર નામના ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.