મોરબીની પંચાસર ચોકડી નજીક ઉર્ષ નિમિત્તે યોજાયેલ મેળામાંથી પરત ફરી રહેલ મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રાજકોટના રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી ખાતે રહેતું મુસ્લિમ પરિવાર ઉર્ષ નિમિત્તે મેળો હોવાથી છોટા હાથી લઈને મોરબીના આમરણ ગામે ગયો હતો. ઉર્સમાંથી પરત રાજકોટ જતા સમયે ગત મોડીરાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં મોરબીની પંચાસર ચોકડી નજીક તેમના જીજે-૩-બીડબલ્યુ-૭૩૧૨ નંબરના છોટા હાથી જેવા વાહનનો અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં સારીન ઈરફાનભાઇ હસનભાઈ બાકરોલિયા નામના ૬ વર્ષના બાળકીનું મોત નીપજ્યું હતું. જયારે નિઝામુદ્દીન હાસમભાઇ બાકરોલીયા, ઇરફાન હાસમભાઇ બાકરોલીયા, મહેઝબીન ઇરફાનભાઇ બાકરોલિયા, સેઝાનબેન નિઝામુદ્દીન બાકરોલિયા, ગુલઝારબેન નિઝામભાઈ બાકરોલિયા અને યાસ્મીન ઇમરાનભાઈ બાકરોલિયા (રહે.બધા રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી)ને ઇજા પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.