સીલીન્ડ કીટ લઇને પરત આપનાર વ્યક્તિઓને પાંચ વૃક્ષો વાવવા માટે નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરાયું
કોરોનાની બીજી લહેરમાં જનસામાન્યને જીવનમાં ઓક્સીજન વાયુ અંગે ખૂબ જ સભાનતા આવી છે. વ્યક્તિના જીવનમાં ઓક્સીજન વાયુનું કેટલું મહત્વ રહેલું છે તે ધ્યાને આવ્યું છે. સામાન્ય દિવસોમાં વ્યક્તિ શ્વાસોચ્છોશ્વાસમાં વાતાવરણમાંથી જ પ્રાણ વાયુ એટલે કે ઓક્સીજન મેળવે છે પરંતુ કોરોના કાળમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે બાટલામાં ભરેલ ઓક્સીજન ગેસને કૃત્રિમ રીતે આપવામાં આવે છે.
પ્રકૃતિની રચના પ્રમાણે વૃક્ષો મનુષ્યો માટે પ્રાણ વાયુ એટલે કે ઓક્સીજન પેદા કરે છે. વૃક્ષો ઓક્સીજન ઉત્પાદન સિવાય પણ મનુષ્ય જીવનમાં અનેકરીતે ઉપયોગી છે તેમ છતાં આધુનિકતાની દોડ પાછળ મનુષ્ય વૃક્ષોનું જતન કરવાનું ભૂલ્યો હોય તેવું પ્રતિત થાય છે. કોરોનામાં જ્યારે દર્દીઓને ઓક્સીજન લેવામાં તકલીફ પડે છે ત્યારે વૃક્ષોનું મહત્વ કેટલું છે તે પણ જણાઇ રહ્યું છે. વૃક્ષોની મહત્તા અંગે જાગૃતિ ફેલાય તેવા શુભ હેતુથી મોરબી સિરામીક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા કોરોના કાળમાં જીવનરક્ષક રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓની રોપા આપવાની પદ્ધતિ બિલકુલ અનોખી છે. કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડર તેમજ કીટની જરૂરિયાત હોય તો સામાન્ય ૨૦૦૦ રૂપિયા ડિપોઝીટ ભરીને કોઇને પણ આપવામાં આવે છે અને કીટ પરત આપવા આવે ત્યારે ડિપોઝીટની રકમની સાથોસાથ વ્યક્તિને પ્રાણ વાયુનું મુલ્ય સમજાવવા માટે નિઃશુલ્ક પાંચ રોપા આપવામાં આવે છે અને તેના ઉછેરની જવાબદારી અંગેનું ભાન કરાવી તેઓની પાસેની સંકલ્પ પણ લેવડાવાય છે.
આમ, મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા બારમાસી, કરણ, લીમડો, પીપળો, તુલસી, તેમજ બાગાયતી છોડ જામફળ, દાડમ, સહિત અન્ય રોપાઓનું વિતરણ કરી વૃક્ષોનું જતન કરવાનો અનોખો સંદેશો પાઠવે છે. આ ભગીરથ સેવા કાર્યમાં જયભાઇ પટેલ, જયદીપ પટેલ, અભિષેક મેઘાણી તથા કવિનભાઇ શાહ સહિતના મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળના સભ્યો આ કામગીરી કરી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મેળવવા માટે કવિનભાઇ શાહ (મો. ૮૪૬૯૫૦૫૧૧૧) તથા અભિષેકભાઇ મેઘાણી (મો. ૯૮૯૮૯૧૨૩૪૭) પર સંપર્ક કરી શકાશે.