મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે એક તાજું જન્મેલ નવજાત બાળકને અજાણી સ્ત્રી(માતા)દ્વારા ત્યજી દીધેલ હાલતમાં મળી આવવાની ઘટનાને લઈ નાના એવા પ્રેમજીનગર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલ બાળક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રાખવામાં આવેલ છે. તાલુકા પોલીસે ત્યજી દીધેલ અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી બિનવારસી નવજાત બાળકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે રહેતા જયેશભાઇ વેલજીભાઇ શેખવા ઉવ.૩૫ ના ઘરની પાછળ કોઈ અજાણી સ્ત્રી દ્વારા તાજું જન્મેલ જીવતું બાળક મૂકીને ચાલી ગયેલ હોય ત્યારે ફરિયાદી ગઈ તા. ૦૭/૦૧ના રોજ મોડીરાત્રે પોતાની ગેરેજમાં કામ પૂર્ણ કરીને ઘરે આવ્યા હતા ત્યારે ઘરની પાછળથી બાળકના રડવાનો અવાજ આવતા જેથી ઘરની પાછળ તપાસ કરતા જીવતું નવજાત બાળક મળી આવ્યું હતું, જેથી તુરંત જયેશભાઈએ ૧૦૮ બાદ પોલીસને જાણ કરી હતી, ત્યારે ૧૦૮ દ્વારા નવજાત બાળકને પ્રાથમિક સારવાર આપી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયુ હતું. હાલ તાલુકા પોલીસ દ્વારા જયેશભાઈની ફરિયાદને આધારે નવજાત બાળકને ત્યજી ગયેલ આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.