મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક ગુરુકૃપા હોટલ સામે ચવાળીને રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને પુરગતિએ ચલાવી આવતા મોટર સાયકલની ઠોકરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્તને ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્તના પુત્ર દ્વારા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી વીસી ફાટક પાસે રહેતા જયદીપભાઈ દિનેશભાઇ જંજવાડીયા ઉવ.૨૫ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એજી-૩૨૧૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૫/૦૬ ના રોજ ફરિયાદીના પિતા દિનેશભાઇ તરવાજપર ચોકડીથી ગુરુકૃપા હોટલ વચ્ચે સામેની સાઈડ નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ચાલીને જતા હોય તે દરમિયાન ફૂલ સ્પીડે ચલાવીને આવતા ઉપરોક્ત મોટર સાયકલના ચાલકે દીનેશભાઈને ઠોકરે ચડાવતા, તેઓને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા ૧૦૮ મારફત દિનેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.