હળવદના નવા દેવળીયા ગામ નજીક રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં યુદ્ધે ચડેલા બે ખુટિયા અચાનક રોડ ઉપર આવી જતા, જેને તારવવા આઇસર ચાલકે રોડ સાઈડમાં ચાલીને જતા એક વ્યક્તિને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેથી શરીરે ગંભીર ઇજાઓને પગલે ઘાયલ રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું, બીજીબાજુ ગંભીર અકસ્માત સર્જી અજાણ્યો આઇસર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
હિટ એન્ડ રન અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના વતની હાલ મોરબીના આલાપ રોડ ખોડિયાર પાર્ક સોસાયટી શેરી નં.૧ માં રહેતા ઘનશ્યામભાઇ કરશનભાઇ અઘારા ઉવ-૪૯ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે જેના જણાવ્યા અનુસાર, ગઈ તા.૦૪/૦૫ ના રોજ અજાણ્યા આઇસર ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક જેતપર તરફથી નવા દેવળીયા ગામ તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવતો હોય ત્યારે નવા દેવળીયા ગામ નવા પ્લોટ વિસ્તારમા આવેલ હનુમાનજીના મંદિરની સામે અચાનક લડાઈ કરતા બે ખુટીયા રોડ તરફ આવતા ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઇડમા ચાલીને જઇ રહેલ ઘનશ્યામભાઇના મોટા ભાઇને હડફેટે લીધા હતા, ત્યારે આ અકસ્માતમાં તેઓને ખંભામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી અજાણ્યો આઇસર ચાલક પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક લઇ સ્થળ ઉપરથી નાશી ગયો હતો, હાલ હળવદ પોલીસે આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી, તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.