વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ગરમ-ઠંડો આથો, ગરમ દેશી દારૂ તથા દારૂ ગાળવાની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિત કુ.રૂ.૪૯,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીની અટક કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર તાલુકાના વિરપરથી ભીમગુડા ગામ જવાના રસ્તે પાણીના ખાડા પાસે ખરાબાની જમીનમાં રાજેશભાઇ કોળી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, હાલ તે ભઠ્ઠી ચાલુ છે, જે મુજબની બાતમી મળતા તુરંત પોલીસ ટીમે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરી હતી, ત્યારે પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતા આરોપી રાજેશભાઇ દિનેશભાઇ ડાંગરોચા ઉવ.૨૦ રહે. વાંકાનેર તાલુકાના વિરપર ગામ વાળાનો પીછો કરીને તેને પકડી લેવામાં આવ્યો હતો.
આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો ૧૦૦ લીટર કિ.રૂ.૨,૫૦૦, ૧૦૦૦(એક હજાર) લીટર ઠંડો આથો કિ.રૂ.૨૫,૦૦૦/- તથા ગરમ દેશી દારૂ ૮૦ લીટર કિ.રૂ.૧૬,૦૦૦ તેમજ ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૫,૭૦૦/-સહિત રૂ.૪૯,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે.