વાંકાનેરની લુણસર ચોકડી નજીક તાજ કમાન ગેરેજમાં દુકાનમાંથી ગત તા.27 જુલાઈ ના રોજ રાત્રીના સમયે કુલ રૂ. ૬૫,૬૯૧/- ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને હ્યુમનસોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજના આધારે બાતમી હકિકત મળી હતી કે, લુણસર ચોકડી, અર્જુન પ્લાઝાની બાજુમા તાજ કમાન ગેરેજ દુકાનમા ચોરી કરનાર ઇસમ હાલ નર્સરી ચોકડી પાસે એક કપડાની થેલી લઈને ઉભો છે. જે ઇસમે બદન ઉપર કાળો તથા ભુખરા કલરનો શર્ટ પહેરેલ છે. તેમજ કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે.જે ચોક્ક્સ બાતમીના આધારે, પોલીસે સ્થળ પર રેઈડ કરી ઇસમની તપાસ કરતા આરોપી દશરથભાઇ બકાભાઇ સિંધવ (હાલ રહે-નર્સરી ચોકડી પાસે ભોજપરા રોડ ઝુપડામા વાંકાનેર જી.મોરબી મુળ રહે.નવા ઢુવા કરસનભાઇના દવાખાના પાછળ તા-જી.મોરબી) પાસેથી રોકડ રૂપીયા તથા સોનાની વિંટી તથા ચાંદીની લક્કી મળી આવી હતી.ત્યારે બનાવ અંગે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ હસનપર,લુણસર ચોકડી, અર્જુન પ્લાઝાની બાજુમા તાજ કમાન ગેરેજ દુકાનમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી રૂ.૨૦,૧૨૪/-ની કિંમતની એક સોનાની વીંટી, રૂ.૧૪,૮૬૭/-ની એક ચાંદીની લક્કી તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/-નો મુદ્દામાલ કરી કુલ રૂ.૬૫,૬૯૧/-નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે