હળવદ તાલુકાના કેદારીયા ગામે શ્રાવણજાર નામની સીમમાં આવેલ વાડીમાં પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી. જ્યાં વાડીએ અને એકટીવા મોપેડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૬ બોટલ મળી આવી હતી, જેથી તુરંત આરોપી વાડી-માલીકની અટક કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો માથક ગામના બુટલેગર પાસેથી લઈ આવ્યાનું જણાવતા હળવદ પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહી.હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે કેદારીયા ગામે રહેતો મહેશ જીંજુવાડિયા શ્રાવણજાર સીમમાં આવેલ પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત વાડીમાં પોલીસે દરોડો પાડતા જ્યાં વાડી તેમજ એકટીવા રજી.નં. જીજે-૩૬-એએન-૫૨૧૬ માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૬ બોટલ કિ.રૂ.૪૦,૨૦૦/- મળી આવી હતી. આ સાથે દરોડા દરમિયાન હાજર વાડી માલીક આરોપી મહેશભાઈ ભીખાભાઇ જીંજુવાડિયા ઉવ.૨૯ની અટક કરવામાં આવી છે. જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક સઘન પૂછપરછમાં ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો હળવદ તાલુકાના માથક ગામે રહેતા શક્તિભાઈ રાજુભાઇ ગોહિલ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને વોન્ટેડ જાહેર કરી, એકટીવા તથા વિદેશી દારૂ સહિત ૮૦,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળનો તપાસ ચલાવી છે.