મોરબીના વીસીપરા કુલીનગર-૨ ખાતે તોફાન કરતા બાળકોને સમજાવવા ગયેલા યુવક ઉપર એક જ પરિવારના ચાર સભ્યોએ છરી વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બાબાવ બાબતે ભોગ બનનારની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
મોરબી શહેરના વીસીપરા કુલીનગર-૨ વિસ્તારમાં સામાન્ય સમજાવટનો મામલો ગંભીર હુમલામાં પરિણમ્યો હતો. જેમાં ફરિયાદી મહમદઅમીનભાઈ ગુલમહમદભાઈ કટીયા ઉવ.૩૮એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા.૦૫/૧૧ ના રોજ પાડોશી પરિવારના નાના બાળકો તોફાન કરતા હોવાને કારણે તેમણે તથા તેમના પરિવારજનોએ તેમને સમજાવવા જતાં અચાનક હુમલો થયો હતો. જેમાં આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ કટીયા, તેની પત્ની નસીમબેન, તથા તેમના બે દીકરા યુનુસ અને સાહીદ બધા રહે.વીસીપરા કુલીનગર-૨ વાળાઓએ એક સંપ થઈ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. જે દરમિયાન આરોપી મીરમહમદ અને યુનુસ એ છરી વડે ફરિયાદીના માથા અને ડાબા પડખા પર ઘા કર્યા હતા, જ્યારે આરોપી નસીમબેન અને આરોપી સાહિદે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમ્યાન આરોપીઓએ ફરિયાદીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ પોલીસે આ બનાવ અંગે ચારેય આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ જી.પી.એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.









