ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યું છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ ભગવદ ગીતાનો તબક્કા વાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચકોટિના જીવન મૂલ્યો શીખી શકશે. ઇતિહાસ તથા સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ ક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ કરાતા કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા મોરબીના 500 થી વધુ મહાસંઘમાં વ્યક્તિઓએ આવેદન પાઠવી અભ્યાસ ક્રમ ચાલુ રાખવા વિનંતી કરાઇ હતી.
શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ કર્યો છે. ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને મોરબી મહાસંઘ દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવ્યો છે. શ્રીમદ્ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત-સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામા આવ્યા નથી. શ્રીમદ્ ભગવદ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરુપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. પૂજ્ય મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષોએ શ્રીમદ્ ભગવદ ગીતામાંથી સદ્જીવન માટે પ્રેરણા લીધી છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ્ ભગવદ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય-નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનુ પ્રતિક છે. જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં પણ શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોકોનો આધાર લઇ સત્ય સ્થાપના તથા સત્યાગ્રહનો આગ્રહ રાખી અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતામાં ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે. શ્રીમદ્ ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ ગીતાના પાઠ સમાવિષ્ઠ કરવા માટે રાજ્ય સરકારને વિશેષમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ શ્રીમદ્ ભગવદ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ મોરબી કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી આરએસએસની ભગિની સંસ્થાઓ શૈક્ષિક મહાસંઘ, સંસ્કૃત ભારતી તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટિના સભ્યો શિક્ષિત તજજ્ઞો, સુજ્ઞ નાગરિકો અને શિક્ષકો ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.