વલસાડ જિલ્લામાંથી ગુમ થયેલા અથવા અન્ય જિલ્લા-રાજ્યોમાંથી વલસાડ જિલ્લામાં ગુમ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વલસાડ જિલ્લા એસ.પી. દ્વારા દોઢ વર્ષ પહેલા મિશન મિલાપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ સફળ રહેતા ભારતનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાનો SKOCH એવોર્ડ આપવાની જાહેરાત થતાં જિલ્લા પોલીસબેડામાં હર્ષની લાગણી છવાઈ છવાઇ ગઇ છે.
ગુજરાત રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય, સુરત રેન્જ આઈ.જી. પ્રેમવિરસિંહની સૂચના અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુમ-અપહરણ થયેલા બાળક-બાળકીઓ તેમજ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ઓગસ્ટ-૨૦૨૩થી મિશન મિલાપ કાર્યક્રમના નામથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૩માં ૧૩ બાળક, ૩૭ બાળકી, ૧૩૯ પુરુષ, ૮૩ સ્ત્રી મળી કુલ ૨૭૨, વર્ષ-૨૦૨૪માં ૪૩ બાળક, ૮૫ બાળકી, ૨૧૭ પુરુષ અને ૧૨૨ સ્ત્રી તેમજ જાન્યુઆરી-૨૫માં ૦૯ બાળક, ૧૨ બાળકી, ૧૩ પુરુષ અને ૮ સ્ત્રી મળી અત્યાર સુધીમાં ૨૦૬ બાળક-બાળકી અને ૫૭૫ પુખ્ત વયના મળી કુલ ૭૮૧ ગુમ લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. અને તેમના સ્વજનો સાથે મેળાપ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરાવવામાં આવ્યો છે. આ પૈકીના કેટલાક કિસ્સાઓમાં તો ગુમ થયેલા પુરુષ કે મહિલા છેક ૨૦ વર્ષ પછી શોધી કાઢવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસના મિશન મિલાપ કાર્યક્રમને કારણે વિખૂટા પડેલાસેંકડો પરિવારોનું પુનઃમિલન શક્ય બન્યું છે. જે સફળ કાર્યક્રમની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. તેથી જ વલસાડ જિલ્લા પોલીસને રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. SKOCH એવોર્ડ એ ભારતનો પ્રમાણિક સ્વતંત્ર સન્માન આપતો રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ વર્ષે આ એવોર્ડ વલસાડ જિલ્લા એસ.પી. ઓફિસના મિશન મિલાપ કાર્યક્રમને એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંગે SKOCH ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર દીપક દલાલે ગુજરાતના ડી.જી. વિકાસ સહાયને પત્ર લખી તા. ૧૫-૦૨-૨૫ના રોજ દિલ્હીના લોધી રોડ ખાતે ઈન્ડિયા હબીતાત સેન્ટરના સિલ્વર ઓક હોલમાં યોજાનાર ૧૦૦માં SKOCH સમીટમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વલસાડ ડી.એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.