મોરબી શહેરના પંચાસર રોડ પર રાજનગર ગરબી ચોક ખાતે આમ આદમી પાર્ટીની “ગુજરાત જોડો” અને “જન જાગૃતિ” અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન એક સ્થાનિક યુવાનના પ્રશ્નથી વિવાદ સર્જાયો હતો, ત્યારે પાર્ટીના કાર્યકરે યુવકને લાફો માર્યો હતો. પત્રકારો સાથેના સંવાદમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે હવે ગુજરાતમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ રૂપે ઉભરી રહી છે અને આગામી મહાપાલિકા ચૂંટણીમાં પૂર્ણ બહુમતીથી જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોરબી શહેરના પંચાસર રોડ ઉપર સ્થિત રાજનગર ગરબી ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો” તથા “જન જાગૃતિ” અભિયાન અંતર્ગત વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીની જનતાને સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી સતત રાજ્યભરમાં પ્રજાજન સાથે સીધો સંવાદ સાધી રહી છે અને તે જ સંદર્ભમાં મોરબીના લોકો સાથે પણ સીધી વાતચીતના ઉદ્દેશ્યથી આ સભા યોજાઈ હતી. સભા દરમિયાન એક યુવકે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરી અંગે સવાલ ઉઠાવતાં, પાર્ટીના કાર્યકરે માઈક આંચકીને યુવકને લાફો મારી દીધો હતો, જેના કારણે ક્ષણિક સભામાં અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો.
બાદમાં ઈસુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપના વિરૂદ્ધ કોઈ મજબૂત વિકલ્પ ન હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી એક ભ્રષ્ટાચાર મુક્ત અને જનહિતમાં કાર્યરત સરકારનો વિકલ્પ બની રહી છે. તેઓએ જણાવ્યું કે આગામી મોરબી મહાપાલિકા ચૂંટણીમાં પાર્ટી પૂર્ણ બહુમતીથી વિજયી થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર થાય એ પહેલા આપ પોતાનાં ઉમેદવારો જાહેર કરશે અને મજબૂત તૈયારી સાથે ચૂંટણી લડશે.