ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર જીનપરા જકાતનાકા હાઇવે ખાતેથી દેશીદારૂ ભરેલ મહીન્દ્રા પીકઅપ ગાડી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, GJ-03-AZ-5217 નંબરની એક સફેદ કલરની મહીન્દ્રા પીકઅપ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે. જે હકિકતના આધારે પોલીસે જીનપરા જકાતનાકા રોડ ઉપર વોચ ગોઠવી રાખી બાતમી વાળી મહીન્દ્રા પીકઅપ ગાડી નીકળતા તેને રોકી ગાડીમાં તપાસ કરતા તેમાંથી ૨૫૦૦ લીટર દેશીદારૂનો રૂ.૫,૦૦,૦૦૦/-નો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ સહીત કુલ રૂ.૭,૦૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે અરવિંદભાઇ વિરજીભાઇ કુવરીયા નામના આરોપીને સ્થળ ઉપર પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.