વાંકાનેરમાં ફરી એકવાર દેશી દારૂના જથ્થાની હેરાફેરી ઝડપાઇ છે. જેમાં વાંકાનેરની કોઠી ગામના બોર્ડ પાસે ઈસમ પોતાની કારમાં દેશી દારૂ ભરી લઈ જતો હોય ત્યારે આગળ પોલીસ હોવાની જાણ થતા કાર રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પરથી GJ-16-BG-6888 નંબરની મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર પસાર થવાની છે. જેમાં કેફી પ્રવાહી દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવી રાખી હોય ત્યારે સ્થળ પરથી પસાર થતી વેળાએ ઈસમ પોલીસની હાજરી પામી જઇ કાર રેઢી મુકી નાશી છૂટ્યો હતો. જેને લઈ પોલીસે કારની તપાસ કરતા તેમાંથી રૂ.૧૫,૦૦૦/- ની કિંમતનો ૭૫૦ લીટર કેફી પ્રવાહી દેશી દારૂ તથા ૦૧ મોબાઈલ ફોન મળી આવતા પોલીસે દેશી દારૂ, કાર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.