હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના સુરવદર ગામે વાડીમાં રેઇડ કરી હતી, જ્યાં કપાસના વાવેતરની સાથે જમીનમાં ચાસમાં વિદેશી દારૂની ૧૨૦ બોટલ તેમજ વાડીના શેઢે ૧૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૧૨૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો, દરોડા દરમિયાન વાડી-માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી, હળવદ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, સુરવદર ગામે રહેતા ધર્મેન્દ્ર કરશનભાઇ ધમેચા પોતાની વાડીમાં કપાસના વાવેતરની આડમાં વિદેશી દારૂ સંતાડેલ છે અને દેશી દારૂ રાખી તેનું પણ વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત વાડીએ હળવદ પોલીસ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા, જ્યાં કપાસના વાવેતરના ચાસમાં જમીનમાં દાટેલી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૧૨૦ બોટલ મળી આવી હતી. જ્યારે વાડીના શેઢે પ્લાસ્ટિકના કેરબામાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૨૦ લીટર તેમજ ૧૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જે તમામ કુલ કિ.રૂ.૨૫,૪૦૦/-નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે લેવાયો હતો. દરોડા દરમિયાન આરોપી ધર્મેન્દ્ર કરશનભાઇ ધમેચા રહે.સુરવદર ગામ વાળો હાજર મળી આવ્યો ન હોય જેથી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.