સેલ્સ એજન્સીના માલીકની ધરપકડ, સપ્લાયર વાંકાનેરના વેપારીની શોધખોળ, કોપીરાઇટ્સ ભંગ હેઠળ કાર્યવાહી.
મોરબીમાં કોપીરાઇટ અધિનિયમ હેઠળ મોટી કાર્યવાહી દરમિયાન શનક રોડ જીઆઈડીસીમાં આવેલ હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી “બાબુ લાઈમ પ્રા. લી.”ના નકલી લેબલવાળા ચુનાના ૩૮ થેલા જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓએ ઓરિજિનલ પેકિંગની નકલ કરી સસ્તામાં ખરીદી-વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે. આ સાથે પોલીસે હિમાલય સેલ્સ એજન્સીના માલીકની અટક કરી કુલ બે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં કોપીરાઇટ ભંગના કેસમાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી “બાબુ લાઈમ પ્રા. લી.”ના નામે નકલી ચુનાના પેકેટ વેચાણ કરાતા હોવાનો પર્દાફાશ કર્યો છે. નકલી બાબુ પાર્સલ ચૂનાના મળી આવેલ જથ્થા અંગે કંપનીના ઓથોરાઈઝ પ્રતિનિધિ યોગેશભાઈ ધીરજલાલ પરમારની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે શનાળા રોડ સ્થિત હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાં તપાસ કરતાં ૩૮ થેલા નકલી “બાબુ પાર્સલ” ચુનાના મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટોના લેબલ અને ડિઝાઇન ઓરિજિનલ પેકિંગ જેવી જ હોવા છતાં તેમાં લખાણ, ફોન્ટમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેથી પોલીસે ૩૮ આ ચુનાના થેલા કિ.રૂ.૧૩,૩૦૦/- કબ્જે કર્યા હતા. આ સાથે પોલીસે હિમાલય સેલ્સ એજન્સીના માલીક આરોપી અરવિંદભાઈ છગનભાઈ કાસુંદ્રા ઉવ.૫૦ રહે.શ્રીકુંજ સોસાયટી કેનાલ રોડ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩ મોરબી વાળાની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં નકલી બાબુ પાર્સલ ચુનાનો આ માલ વાંકાનેરના એન.આર.માવાવાળા સુનિલભાઈ પાસેથી ખરીદી કરી વેચાણ કરતા હતા. જેથી પોલીસે આરોપી સુનિલભાઈને આ કેસમાં ફરાર દર્શાવી બન્ને આરોપી વેપારીઓ સામે કોપીરાઇટ અધિનિયમની કલમ ૬૩, ૬૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.









