મોરબીની મચ્છુ નદીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જેને લઈ મચ્છુ નદીમાં સ્વામી નારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જે મંદિર આગામી સમયમાં બે ભયાનક આફતો લાવશે જેને કારણે મોરબીવાસીઓને જાન માલનો નુકશાન થઈ શકે તેવી શંકાના આધાર મોરબીના ત્રણ સામાજિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી મંદિરનું કામ તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે.
રાજેશ વિષ્ણુભાઈ દવે, જગદીશ ગંગારામભાઈ બાંભણીયા તથા ગૌતમ જયંતીલાલ મકવાણા નામના ત્રણ મોરબીના સામાજિક આગેવાનોએ મોરબી જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે કે, મોરબીની મચ્છુ નદીમાં ઠેર-ઠેર ઈસમો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે, જેમાં હાલમાં ઝુલતા પુલ પાસે બહુ વિશાળ સ્વામી નારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જે આગામી સમયમાં બે ભયાનક આફતો લાવશે જેને કારણે મોરબીવાસીઓને જાન માલ ગુમાવવાનો વારો આવશે. મોરબીમાં મચ્છુ નદી ઉપરવાસમાંથી આવતી હોય અને મોરબી પહોંચતા બીજી નદીઓ પણ મચ્છુ નદીમાં સમાવેશ થાય છે. જે મચ્છુ નદી પર ત્રણ ડેમો પણ બાંધેલા છે. જે પાણી આખા મોરબીવાસીઓને પૂરું પાડવામાં આવે છે. અને આ ડેમો સતત ભરેલા હોય છે. તેમજ આ ડેમોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે છે.
સામાજિક આગેવાનોએ વધુમાં કહ્યું હતું કે, મોરબીની મચ્છુ નદીની બાજુમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ થતા તે રહેણાંક વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવા તંત્ર દોડધામ કરે છે. અને સરકાર દ્વારા પણ નદીઓ પહોળી કરવા સુજાવ કરેલ હોય તેમ છતાં પણ મોરબીની મચ્છુ નદીમાં સ્વામી નારાયણનું મંદિર બની રહ્યું છે. મોરબીની મચ્છુ નદી પવિત્ર છે. જેમાં દિવસેને દિવસે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી આ સ્વામી નારાયણ મંદિર ધાર્મિક મુદ્દો બની જાય તે પહેલા આ મંદિરનું કામ તાત્કાલિક બંધ કરવાનો આપ સાહેબ શ્રી હુકમ કરો તેવી વિનંતી સાથે ફરિયાદ છે. જો મોરબી મચ્છુ નદીનું દબાણ ખાલી કરાવવામાં નહિ આવે તો આગામી સમયમાં ચોમાસા દરમ્યાન નિચાણવાળા તમામ રહેણાંક વિસ્તારોના લોકોને જાન માલનું નુકશાન ભોગવવાનું રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે. તેમ સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું.