મોરબી જિલ્લાના હળવદ તાલુકાની તક્ષશિલા સ્કુલ ખાતે કાર્યરત એકમાત્ર અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર દ્વારા ‘હર ઘર બાલ કલામ યોજના’ શરુ કરવામાં આવી છે. આ યોજના મુજબ આખા મોરબી જિલ્લાના ધો. ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રેક્ટિકલ પ્રયોગો કરી શકે તે માટે તક્ષશિલા વિદ્યાલય દ્વારા ‘હરતી ફરતી પ્રયોગશાળા ‘ શરુ કરવામાં આવી છે. આ યોજના મુજબ પ્રયોગોના સાધનોથી સજ્જ એક વાહન પ્રત્યેક શાળામાં ફેરવવામાં આવશે અને વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી શકશે.
સમગ્ર પ્રયોગો માટેના સાધનો ડો.ચંદ્રમૌલિ જોષીના ડાયરેક્ટર પદ હેઠળ રમન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે. હર ઘર બાલ કલામ યોજનાનું ઉદ્ધાટન કરતા નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ સંસ્થાના ડાયરેક્ટર અને મહારાષ્ટ્રના વતની સુનિલ વાનખેડે અને સેક્રેટરી સંદિપ પાટીલ સરે જણાવ્યું કે હર ઘર કલામ યોજનાનું ઓફલાઈન ઉદ્ઘાટન થયું છે તે સમગ્ર ભારતમાં ઓફલાઈન પહેલું ઉદ્ઘાટન કરવાનો શ્રેય તક્ષશિલા સ્કુલને મળ્યો છે. આ તકે તક્ષશિલા સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર ડો.મહેશ પટેલે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ‘હરતી ફરતી પ્રયોગશાળા‘ અંતર્ગત ભારતના અને દુનિયાના વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞોના સતાવન ફોટાનું પ્રદર્શન પણ બતાવવામાં આવશે.