મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ભારતીય વિદ્યાલય ખાતે પત્રકાર એસો.ને સાથે રાખીને સોશિયલ મીડિયા અવેરનેસ અને પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એસો.ના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેમના દ્વારા સોશિયલ મીડિયાનો આડેધડ ઉપયોગ કરવાથી ભવિષ્યમાં ઊભા થતા પ્રશ્નો અને ત્યાર પછીના પરિણામ વિશેની વિગતવાર દ્રષ્ટાંતો સાથેની માહિતી આપવામાં આવી હતી તેની સાથોસાથ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે થઈને કઈ પ્રકારની તૈયારીઓ વિદ્યાર્થીઓએ અત્યારથી જ કરવાની જરૂર છે તેની પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ભારતીય વિદ્યાલય ખાતે સંસ્થાના સ્થાપક અને પ્રમુખ હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શાળાના સંચાલક વિવેકભાઈ મહેતા અને કૌશલભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના આડેધડ ઉપયોગના લીધે ઉભી થતી સમસ્યાઓ અને પ્રશ્નોથી વાકેફ કરવા અને પત્રકારત્વ ક્ષેત્રે કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તેની માહિતી આપવા માટે થઈને મોરબી પત્રકાર એસોસિએશનને સાથે રાખીને ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, કારોબારી સભ્ય સુરેશભાઈ ગોસ્વામી તથા જીગ્નેશભાઈ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયાનો આડેધડ ઉપયોગ કરવાના કારણે મોરબીમાં પણ ઘણી વખત મારામારીથી લઈને પોલીસ ફરિયાદ સુધીની ઘટનાઓ બનેલી છે તેના વિશેની દ્રષ્ટાંતો સાથેની માહિતી અને જરૂરી માર્ગદર્શન પત્રકારો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ તેઓને સમજુત કરવામાં આવ્યા હતા
તેમજ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે થઈને કઈ કઈ બાબતોનું અત્યારથી જ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ અને પત્રકારત્વના અભ્યાસક્રમ કઈ જગ્યાએ ચાલુ છે તેમજ પત્રકારત્વનો અભ્યાસ કર્યા પછી ભવિષ્યમાં કઈ કઈ જગ્યા ઉપર નોકરી માટેની સારી તકો મળતી હોય છે તેના વિશેની માહિતી પત્રકાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્ય દ્વારા આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને શાળાના સંચાલક કૌશલભાઈ મહેતા તથા તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.