ડો.દેવેનભાઈ રબારીના ભત્રીજા વિહાનના જન્મદિવસે 250 જેટલા સફાઈકર્મીઓને લાલો ફિલ્મ બતાવાય, સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતા 700 લોકોને ભાવથી ભોજન કરાવાયું
મોરબી : જન્મદિવસ માત્ર કેક કાપવાનો દિવસ નથી, પરંતુ એ દિવસે કોઈના જીવનમાં સ્મિત લાવી શકાય—એ જ સાચી ઉજવણી છે. આ વિચારને સાકાર કરતી એક પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવી. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના પુત્ર વિહાનનો જન્મદિવસ નિમિત્તે “આપવાના આનંદ”ના ભાવ સાથે વિશેષ સામાજિક કાર્યક્રમો યોજાયા. ઉજવણીમાં સમાજના એવા વર્ગોને સામેલ કરવામાં આવ્યા, જે રોજિંદી વ્યસ્તતા અને સંઘર્ષ વચ્ચે પોતાની ખુશીઓને ભૂલી જાય છે.
જન્મદિવસના ભાગરૂપે શહેરના 250 જેટલા સફાઈકર્મીઓને વિશેષ આમંત્રણ આપી તેમને ધાર્મિક અને માનવ મૂલ્યોનું સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ “લાલો” બતાવવામાં આવી. દિવસ-રાત શહેરને સ્વચ્છ રાખનારા આ કર્મીઓ માટે આ ક્ષણ આનંદ, ગૌરવ અને સન્માનની બની. ફિલ્મ નિહાળ્યા બાદ તેમને સન્માનપૂર્વક ભોજન પણ કરાવવામાં આવ્યું. આ ઉપરાંત મોરબીના વંચિત વિસ્તારો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અંદાજે 700 લોકોને પણ ભાવથી ભોજન કરાવવામાં આવ્યું. અનેક પરિવારો માટે આ ભોજન માત્ર પેટ ભરવાનું નહીં પરંતુ આત્મિયતા અને લાગણીનું પ્રતિક બન્યું.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા એક નાનકડા બાળકના જન્મદિવસને માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારી સાથે જોડવામાં આવ્યો. યંગ ઇન્ડિયા ગ્રુપની આ પહેલ સમાજમાં એક સ્પષ્ટ સંદેશ આપે છે કે “જ્યારે આપણા આનંદમાં સમાજ જોડાય, ત્યારે ઉજવણી માત્ર વ્યક્તિગત નથી રહેતી, તે સંસ્કાર બની જાય છે.”
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, “બાળકોને જો સાચા સંસ્કાર આપવા હોય તો તેમને બતાવવું પડશે કે જન્મદિવસ માત્ર પોતાની ખુશી માટે નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર છે. સમાજના અંતિમ પંક્તિમાં ઊભેલા લોકો સાથે ખુશી વહેંચવી એ જ માનવતાનું સાચું સ્વરૂપ છે.”









