મોરબીમાં મૂર્તિ ના વ્યવસાય અર્થે રાજસ્થાન થી આવેલ પરિવારની બે માસની માસૂમ બાળકી નુ હીંચકો તૂટી જતાં મોત થવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવથી કાળજુ એટલે કાંપી જાય છે કે આ નાનકડી બહેનને તેનો સાત વર્ષનો ભાઈ પ્રેમ થી ઝુલાવી રહ્યો હતો ત્યારે અચાનક હીંચકો તૂટી જતા પોતાની પહેલી રક્ષાબંધન આ બાળકી ઉજવે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
રાજસ્થાનથી મોરબી આવી મૂર્તિ બનાવી પોતાનું ગુજરાન ચલાવતા અને મોરબીમાં આવેલા સનાળા રોડ ઉપર સમય ગેઇટ પાસે ઝૂંપડામાં રહેતા મારવાડી પરિવારનો સાત વર્ષનો દીકરો તેની બે માસની બહેન રવીના ભાવાભાઇ સોલંકીને હીંચકાવતો હતો. ત્યારે હીંચકો તૂટી જતા બાળકી મૂર્તિ સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલી હતી. જેના કારણે બાળકીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલોસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કરીવાહી હાથ ધરી હતી.