કર્મચારીઓના જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચ મુજબ ભથ્થા ચુકવવા સહિતના પંદર જેટલા પડતર મુદ્દાઓ ના ઉકેલ માટે સરકાર સામે લડતનુ બુંગીયુ ફુંકવા માટે રાજ્ય કર્મચારી મહામંડળ અને કર્મચારી સંયુક્ત મોરચાએ જાહેર કરેલ લડતના કાર્યક્રમને સફળ બનાવવા અને આદેશ નો અમલ કરવા માટે મોરબી જીલ્લા કર્મચારી મહામંડળ દ્વારા મંગળવારે હોદેદારોની એક બેઠક બોલાવી હતી. જેમા, આગામી તા.૩ જી સપ્ટેમ્બરે તમામ કર્મચારી મિત્રોએ એક સાથે જોડાઈને મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજવાનુ હાલ નક્કી થયુ છે.
રાજ્યના જુદા જુદા વિભાગોમા ફરજ બજાવતા કર્મચારી ઓ પોતાના હક્ક હિત મુદ્દે અન્યાય અનુભવી પિસાઈ રહ્યાની લાગણી અનુભવ્યા બાદ તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ એક છજા હેઠળ એકત્ર થઈ રાજય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો રચાયો હતો. જેમા, કર્મચારીઓની અનેક પડતર માંગણીઓ મુદ્દે હક્ક હિત માટે લડતના મંડાણ કરવાની રાજય મહામંડળ અને સંયુક્ત મોરચા ની સુચના મળતા મોરબી જીલ્લા કર્મચારી મહામંડળ ના હોદેદારોની એક બેઠક મંગળવારે મળી હતી. જેમા, રાજય મહામંડળની સુચના મુજબ આગામી તા.૩ જી સપ્ટેમ્બરે તાલુકા સેવાસદન લાલબાગ થી જીલ્લા સેવાસદન સુધી જીલ્લાના તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા મહામંડળ ની આગેવાની હેઠળ મૌન રેલી યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હોવાનુ મહામંડળના મિડીયા સહ ઈન્ચાર્જ કિશન બાવરવાએ એક યાદીમા જણાવ્યુ હતુ. મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓ મૌન રેલી રૂપે કલેકટર કચેરીએ પહોંચી અહીંયા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર સામે હક્ક હિત ની માંગણી રજુ કરશે. જોકે, સરકાર સામે રાજ્યના તમામ સરકારી દફતરના કર્મચારી જુથો એક થઈ લડતના મંડાણ કરવાના તબક્કાવાર કાર્યક્રમ યોજવાની જાહેરાત થતા રાજય સરકાર હરકતમા આવી પાંચ મંત્રીઓની સમિતિ બનાવી મહામંડળ અને સંયુક્ત મોરચા સાથે આગામી તા. ૭ મી સપ્ટેમ્બરે બેઠક યોજી ઉકેલ લાવવા પ્રયત્નશીલ હોવાનુ જાણવા મળેલ છે.