બપોરે ૪ વાગ્યે સભાખંડમાં બેઠક; વિવિધ ઠરાવો અને કામોને મંજુરી મુદ્દે ચર્ચા.
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજ રોજ મંગળવાર તા. ૧૦ માર્ચે બપોરે ૪ વાગ્યે જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે. બેઠકમાં અગાઉની બેઠકોની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિત સ્વભંડોળ અને રેતી રોયલ્ટીથી સંકળાયેલા વિવિધ વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક તથા વહીવટી મંજુરી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેનની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક આજ રોજ તા.૧૦/૦૩ના રોજ મંગળવારે બપોરે ૪ વાગ્યે જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાનાર છે. જીલ્લા વિકાસ અધિકારી અને સચિવ એન.એસ. ગઢવી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધ તેમજ ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા અંગે વિચારણા કરવામાં આવશે. ઉપરાંત જીલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને મંજૂરી આપવાના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.
આ સિવાય જીલ્લા પંચાયતના સ્વભંડોળ અને રેતી રોયલ્ટીમાંથી હાથ ધરાનાર વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરી આપવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. સદસ્યો તરફથી મળેલા પ્રસ્તાવો તથા પ્રમુખ સ્થાનેથી રજૂ થનારા મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં સભ્યો હાજર રહી વિવિધ વિકાસકાર્યો અંગે નિર્ણય લેવામાં આવશે.









