કમિશનર તથા નાયબ કમિશનરોની ઉપસ્થિતિમાં શહેરના પ્રાણ પ્રશ્નો અને માળખાગત વિકાસ અંગે વિગતવાર ચર્ચા.
મોરબી મહાનગરપાલિકાના વહીવટને વધુ અસરકારક અને લોકકેન્દ્રિત બનાવવા નવલખી રોડ સ્થિત ત્રિમંદિર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શહેરના પ્રાણ પ્રશ્નોના ઝડપી નિવારણ, પ્રાથમિક તથા માળખાગત સુવિધાઓના વિકાસ, ડિજિટલ ગવર્નન્સ અને લાંબા ગાળાની યોજના અંગે અધિકારીઓ વચ્ચે હળવાશભર્યા અને તણાવમુક્ત વાતાવરણમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના વહીવટને સુદ્રઢ બનાવવાના હેતુસર નવલખી રોડ સ્થિત ત્રિમંદિર ખાતે વિશેષ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોરબી શહેરના નાગરિકોને વધુ સારા અને ઝડપી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરના પ્રાણ પ્રશ્નો, માળખાગત વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ચિંતન શિબિરમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તથા નાયબ કમિશનર સંજયકુમાર સોનીના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાઓના અધિકારીઓ અને વિભાગીય વડાઓએ ભાગ લીધો હતો. અધિકારીઓ તણાવમુક્ત વાતાવરણમાં રહી ફેસ ટુ ફેસ ચર્ચા કરી શકે તેમજ યોગા અને પ્રાણાયામ સાથે વિચારવિમર્શ કરી શકે તે હેતુથી આ શિબિરને પાંચ અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી.
ગ્રુપ-૧માં માળખાકીય સુવિધાઓ અને સીટી બ્યુટિફિકેશન વિભાગ હેઠળ સીટી એન્જિનિયરના નેતૃત્વમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રીક, સિવિલ, સ્ટોર, વર્કશોપ, વોટર વર્ક્સ, ડ્રેનેજ અને ANCD શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. ગ્રુપ-૨માં ડિજિટલ ગવર્નન્સ અને વહીવટી વિભાગના HOD પરેશભાઈ અંજારિયાના નેતૃત્વમાં GAD, લીગલ, ICT સેક્રેટરી તથા એસ્ટાબ્લિશમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ગ્રુપ-૩માં સિટિઝન એંગેજમેન્ટ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ વિભાગના HOD રાહુલભાઈ કોટડિયા સાથે UCD, હેલ્થ, મલેરિયા, લાઇબ્રેરી તથા આવાસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. ગ્રુપ-૪માં લોંગ ટર્મ પ્લાનિંગ એન્ડ વિઝન વિભાગના HOD કુંજન પટેલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ, ફાયર, એસ્ટેટ, અર્બન પ્લાનર, અર્બન ડિઝાઇનર, ગાર્ડન, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સહિતની શાખાઓએ આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાને વધુ વિકસિત બનાવવાની દિશામાં ચર્ચા કરી હતી. ગ્રુપ-૫માં જે. કે. જાડેજાના નેતૃત્વમાં અકાઉન્ટ, ઓડિટ અને ટેક્સ શાખાના અધિકારીઓ જોડાયા હતા.
આ સમગ્ર ચિંતન શિબિરમાં મોરબી શહેરના નાગરિકોને પ્રાથમિક તથા માળખાગત સુવિધાઓ ઝડપથી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય, શહેરના પ્રશ્નોનું સરળ અને ઝડપી નિવારણ કેવી રીતે શક્ય બને તેમજ મહાનગરપાલિકાના વહીવટના વિવિધ આયામોને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તે મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ શાખાના HODની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ચિંતન શિબિર શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું મનાય છે.









