આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે ગઈકાલે તા.28-06-2024 ના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ–મોરબી ખાતે તાલીમી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓ, DySP ઝાલા, DySP સારડા, PI, PSI, ASI તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા.
નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી ખાતે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ડો.સંઘવી, ડો.જયવીર પંડયા અને ડો.પરેશ ડોબરીયાએ સાંપ્રત સમયની જરૂરીયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. “આત્મ નિર્ભર ભારત”ના અભિગમ મારફત થના૨ ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવનાર ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં અપાઈ હતી.