બંધ પડી ગયેલ બોલેરોનું રીપેરીંગ કામ કરતી વેળા કાળમુખા ટ્રકે ઠોકર મારતા બોલેરો નીચે દબાઈ જતા સારવારમાં મોત
માળીયા(મી)-કચ્છ હાઇવે હરીપર ગામ નજીક બોલેરો ગાડીમાં તકનીકી સમસ્યાને કારણે બંધ હાલતમાં રોડની સાઈડમાં ઉભેલ હોય તથા એક સીએનજી રીક્ષા પણ ત્યાં તેની બાજુમાં ઉભી રાખેલ હોય ત્યારે પુરપાટ ગતિએ આવતા ટ્રકે પ્રથમ રીક્ષાને ઠોકરે ચડાવી ત્યારબાદ બાજુમાં ઉભેલ બોલેરો ગાડી સાથે અથડાવતાં બોલેરો ગાડી નીચે બેરીંગ બદલવાનું કામ કરી રહેલ બોલેરો ચાલક ગાડી નીચે દબાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જતા જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજીબાજુ સીએનજી રીક્ષામાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે રીક્ષા ચાલકે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના હરીપર(કેરાળા) ગામે રહેતા હરેશભાઇ વાલાભાઇ ટોટા ઉવ.૨૯ એ ટ્રક રજી.નં.એપી-૩૯-ટીએકસ-૭૫૫૯ ના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૯/૦૫ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક ડ્રાવ સોલ્ટ કારખાના બાજુમાં હરેશભાઈના કુટુમ્બીક મામાના દીકરા મહેશભાઇની બોલેરોમાં કોઈ તકનીકી સમસ્યા થવાથી બોલેરો બંધ પડી ગયેલ હોય ત્યારે મહેશભાઈ દ્વારા ફોન કરી હરેશભાઈને ઘટના સ્થળે બોલાવતા હરેશભાઇ પોતાની સીએનજી રીક્ષા લઈને ત્યાં ગયા હોય ત્યારે રીક્ષા બોલેરો ગાડીની લાઈનમાં રોડની સાઈડમાં રાખી હતી. જ્યાં બોલેરો ગાડીના રીપેરીંગ અર્થે મહેશભાઈ બોલેરો નીચે કામ કરતા હોય ત્યારે ઉપરોક્ત રજી. નંબરનો ટ્રકને ગફલતભાઈ રીતે પૂર ગતિએ ચલાવી પ્રથમ સીએનજી રીક્ષા સાથે અથડાવી રીક્ષાનો ભૂકો બોલાવી નાખી આગળ પડેલ બોલેરો સાથે ટ્રકની જોરદાર ટક્કર થઇ અથડાવી ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો નીચે કામ કરી રહેલા મહેશભાઈનો સ્થળ ઉપર પગ કપાઈ ગયો હતો.
અકસ્માતની ઘટના બનતા આજુબાજુ રોડ ઉપરથી લોકો એકઠા થઇ ગયા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવતા જ્યાં મહેશભાઈનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માત મામલે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.