મોરબી તાલુકાના ભડિયાદ ગામે રામાપીર મંદિર નજીક રિવર્સમાં આવતા ટ્રકે કુદરતી હાજતે બેઠેલ બે વર્ષના બાળકને છૂંદી નાખતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના ભડિયાદ ગામે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માત્ર બે વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નિપજ્યું છે. આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં મૃતકના દાદા ભુપતભાઈ મગનભાઈ કણસાગરા ઉવ.૫૪ રહે. ભડિયાદ કાંટા રામદેવપીર મંદિર સામે તા. જી.મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. જીજે-૦૩-એટી-૨૩૭૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ સવારે આશરે પોણા સાત વાગ્યાની આસપાસ ફરીયાદીનો પૌત્ર હાર્દિક ઉવ.૦૨ કુદરતી હાજત માટે રસ્તા નજીક બેઠેલો હતો. તે દરમિયાન ઉપરોક્ત ટ્રકનો ચાલક પોતાના વાહનને બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે રિવર્સમાં ચલાવતા બાળક ઉપર ટ્રકના પાછળના ખાલી સાઇડના ટાયર ફરી વળતાં કમરના નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ગંભીર ઇજાના કારણે હાર્દિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ મળતા મોરબી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









