પતિના આડાસબંધ, મારકુટ કરવાના આરોપો સાથે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
હળવદ તાલુકાની પરિણીતાએ પતિ, સાસુ અને સસરા દ્વારા સતત માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ સાથે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિના આડાસબંધ, મારકુટ અને ઘરમાંથી કાઢી મૂકવાના આક્ષેપ સાથે ભોગ બનનારે પતિ સહિત ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના નવા ઈશનપુર સાસરે રહેતા પાયલબેન પાર્થકુમાર પરમારે મોરબી મહિલા પોલીસ મથકે આરોપી પાર્થકુમાર ડુંગરભાઈ પરમાર(પતિ) રહે હાલ અમદાવાદ ન્યુ રાણીપ મૂળરહે નવા ઇશનપુર તા.હળવદ, ભગવતીબેન ડુંગરભાઈ પરમાર તથા આરોપી ડુંગરભાઈ મોહનભાઇ પરમાર બંને રહે. ઇશનપુર તા.હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન તા.૦૫/૦૩/૨૦૨૧ના રોજ પાર્થકુમાર પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય સંયુક્ત પરિવારમાં રહ્યા પછી પતિના વ્યવસાયને કારણે અમદાવાદ રહેવા ગયા હતા. લગ્નજીવન દરમિયાન દીકરી અનન્યાનો જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદ પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસબંધની જાણ થતા પતિ દ્વારા મારકુટ, બોલાચાલી અને ઘરખર્ચ ન આપવાનો ત્રાસ આપવામાં આવતો હતો. અનેક વખત સમાધાન છતાં પરિસ્થિતિ સુધરી ન હતી. જે બાદ તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ પતિએ ફરિયાદી પાયલબેનને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આ સમયે આરોપી સાસુ-સસરાએ પણ અપમાન અને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. હાલ પીડિતા પોતાની દીકરી સાથે માવતરે રહેવા મજબૂર બની છે. જેથી સમગ્ર મામલે પતિ, સાસુ અને સસરા સામે કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે મોરબી મહિલા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









