મોરબી તાલુકાના કૃષ્ણનગર ગુંગણ ગામે સાસરુ ધરાવતી મોરબીની દીકરીને પતિ સહિતના સાસરીયાઓ દ્વારા શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ અત્રેના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી પતિ, સાસુ, નણંદ તથા જેઠાણી સહિતના સાસરી પક્ષના સભ્યો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ ઇન્દિરાનગરમાં રહેતા અને કૃષ્ણનગર ગુંગણ ગામ સાસરુ ધરાવતા જોશનાબેન રતિલાલ નથુભાઇ મુછડીયા કે જેઓ રાજાભાઇ મનજીભાઇ પરમારના દીકરીએ મહિલા પોલીસ મથકમાં આરોપી રતીલાલ નથુભાઇ મુછડીયા(પતિ), સોમબેન નથુભાઇ મુછડીયા(સાસુ), વિજુબેન નથુભાઇ મુછડીયા(નણંદ) તથા રંજનબેન હરીભાઇ મુછડીયા(જેઠાણી) રહે.બધા ક્રુષ્ણનગર ગામ ગુંગણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી આશરે બે વર્ષ પહેલાથી ફરીયાદી જોશનાબેનને તેના પતિ તથા સાસુ, નણંદ અને જેઠાણી અવાર નવાર નાની-નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપતા, તેમજ મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરતા હોય, ત્યારે મોરબી મહિલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.