મોરબી: પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિના અવસર પર મોરબીના રવાપુર-ઘુનડા રોડ પર ૩૨ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ૩ થી ૯ નવેમ્બર સુધી “જોવા જેવી દુનિયા” મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય દીપકભાઈના હસ્તે આજે રાત્રે શુભારંભ કરવામાં આવશે.
મોરબી: ઘડિયાળોના શહેર તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર મોરબી હવે એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે અહીં ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન ભવ્ય મહોત્સવ “જોવા જેવી દુનિયા”નું આયોજન કરવામાં આવ્યું છે. રવાપુર-ઘુનડા રોડ પર ફેલાયેલા ૩૨ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ થીમ પાર્ક આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અનોખો સમન્વય રજૂ કરશે. મહોત્સવનો શુભારંભ આજે રાત્રે ૮.૩૦ વાગ્યે પૂજ્ય દીપકભાઈ તથા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવશે. આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શ્રેણી “જ્ઞાની પુરુષ”ના ભાગ ૬ નું વિમોચન પણ પૂજ્ય દીપકભાઈના હસ્તે કરવામાં આવશે. શુભ અવસરે પૂજ્ય દીપકભાઈના આશીર્વચન અને મુખ્યમંત્રીના સંબોધનથી કાર્યક્રમ પ્રેરણાદાયક બનશે. ત્યારબાદ દાદા ભગવાનના ઉપદેશોને આવરી લેતું નાટક અને બાળકોના સમૂહ નૃત્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ મહોત્સવમાં ૩ થી ૯ નવેમ્બર દરમિયાન રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી “જોવા જેવી દુનિયા”ના દરવાજા સૌ માટે ખુલ્લા રહેશે. અહીં આધ્યાત્મિક સમજણ, આનંદ અને જ્ઞાનના અનોખા અનુભવો મળશે. થીમ પાર્કમાં “સાયરન”, “વિક્રમ વેતાળ”, “મૈં કૌન હૂ?”, “એહસાસ” જેવા પ્રદર્શનો દ્વારા માનવજીવનના વ્યવહારિક અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ હસતા રમતા રજૂ કરાશે. બાળકો માટે અલગથી તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કમાં “તારા રમપમપુર” પપેટ શો, “ચાલો બનીએ સુપરહીરો” ટોટલ એક્સપીરિયન્સ શો અને “હનુમાન ઔર કાલનેમી” નાટક દ્વારા જીવનમૂલ્યો અને વ્યવહારિક સમજણ રસપ્રદ રીતે આપવામાં આવશે.
૪ નવેમ્બરના રોજ પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતિનો મુખ્ય દિવસ રહેશે. સવારે પૂજન, આરતી તથા પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શન કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ૫ થી ૭ નવેમ્બર દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ યોજાશે, જેમાં દરેક વ્યક્તિ પોતાના જીવનના પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવી શકશે. ૫ નવેમ્બરના રોજ રાત્રે ૭.૩૦ થી “જ્ઞાનવિધિ” કાર્યક્રમનું આયોજન છે. જેમાં એક એવો આધ્યાત્મિક પ્રયોગ જે આત્મજ્ઞાન દ્વારા વ્યક્તિને પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ કરાવે છે. મોરબીમાં પ્રથમવાર આયોજિત આ આધ્યાત્મિક થીમ પાર્ક પ્રત્યે લોકોમાં અતિઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો લોકો અહીં ઉપસ્થિત રહી આનંદ અને જ્ઞાનનો અનોખો મેળાવડો કરશે તેવી ધારણા છે. સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે અને દરેક ધર્મ-સંપ્રદાયના લોકો માટે ખુલ્લો છે. આ મહોત્સવની વિગતવાર માહિતી માટે jj.dadabhagwan.org વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે તેમ યાદીમાં જણાવ્યું છે.









