માળિયા તાલુકાના બગસરા ગામના રહેવાસી અગરિયાઓ અને સ્થાનિકો દ્વારા આજ રોજ કેલેક્ટરને લેખિત રજૂઆત કરી ૧૦ એકર મીઠ્ઠા ઉત્પાદન માટે જમીન ફાળવવા માંગ કરી હતી. તેમજ મોટા માણસો તથા બહારના વ્યકિતઓએ તેમના બાદ અરજી કરી જમીન મેળવી લીધી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ખુંગલા રમેશભાઇ લખમણભાઇ તથા ગજીયા વાલાભાઈ બીજલભાઈએ કલેક્ટરને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે, માળિયા (મી.) તાલુકાના બગસરા ગામ ખાતે તેઓએ ગત તા. ૨૨/૧૧/૨૦૨૧ ના રોજ ૧૦ એકર મીઠ્ઠા ઉત્પાદન માટે અરજીની કરેલ તથા અન્ય તેમના ગામના આશરે ૧૦ થી ૧૫ અરજદારોએ કલેક્ટર કચેરીએ અલગ અલગ માંગણીઓ કરેલ હતી. પરંતુ તે દિશામાં આજદિન સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ઉલટું તેમની માંગણી વાળી જમીનમાં બીજા મોટા માણસો તથા બહારના વ્યકિતઓએ તેમની માંગણી વાળી જમીનમાં તેમના બાદ અરજીઓ કરીને માંપણી પણ કરાવેલ છે. અને તેના અધિપ્રાયો માટે કામ પણ ચાલું છે. જેને લઈ તેઓએ અરજીઓનો સરકારના ઠરાવ પરીપત્ર ૧૮/૭/૧૮ મુજબ પ્રથમ હક અગરિયાઓ તથા સ્થાનીક માણસોને જમીન આપવામાં આવે તેવિ માંગણી તેમજ રજુઆત કરી હતી.
તેમણે વધુમાં લખ્યું હતું કે, તેમની માંગણી વાળી જમીનમાં તેમના પછી મોટા માથાઓએ અરજી કરેલ છે. જયારે અરજદારોએ અરજીઓ કરતા તે દિશામા કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો આપ સાહેબને સરકારના પરીપત્ર મુજબ અગરિયા ઓને તથા સ્થાનીકોને રોજી રોટી મળી રહે તે માટે તેમની અરજીઓની યોગય તપાસ કરી ક્રમ નં. આપીને તે દિશામાં કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેમજ કલેક્ટર કચેરીએથી એકને ખોર અને એકને ગોરની રાજનીતી ચાલી રહી છે. તેવો આક્ષેપ કર્યો હતો. તેમજ સામા પક્ષે જયારે કલેક્ટર કચેરીએથી સ્થાનીક અગરીયાઓ તથા ગામના નાગરીકને અનેક ડોકયુમેન્ટ(કાગળો) માંગવામાં આવી રહયા છે. જયારે બહારના વ્યકિતઓને તથા મોટા માણસોને આવી અરજીઓની કોઇ કાગળો માંગવામાં આવતા નથી તો આવી રીતે રાજકીય હાથાઓ રૂપિયાના જોરે જો ચાલસે તો આવનારા દિવસોમા ગામ લોકોને સાથે રાખીને હાઇકોર્ટના દ્વાર અરજી કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ માળિયા (મી.) તાલુકાના બગસરા ગામના અગિયારાઓએ ઉચ્ચારી હતી.