બ્રોડગેઇજ લાઇન નાખ્યા તેને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ મોરબીથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ત્યારે મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવાની માંગ સાથે પક્ષકાર એસો. મેદાને આવ્યું છે. અને રાજકોટ-અમદાવાદ અને મુંબઈ ની ડેઇલી ટ્રેન આપવાની માંગ સાથે મોરબી રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડેનને આવેદન પાઠવ્યું છે.
મોરબી પત્રકાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવા મોરબીમાંથી અવારનવાર અનેક રજૂઆતો કરાઈ છે. છતાં રેલવે તંત્રે આ પ્રશ્ને સદાય મોરબી સાથે ઓરમાયુ વર્તન દાખવ્યું છે. મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ પણ મોરબીને ટ્રેન સુવિધા મળે તે માટે આગળ નથી આવી રહ્યા. જેને કારણે હવે પત્રકાર એસોશિયેશન મોરબી મેદાને આવ્યું છે. મોરબીને લાંબા અંતર સુધીની રાજકોટ-અમદાવાદ-મુંબઈની ડેઇલી ડેઇલી ટ્રેન સુવિધા આપવાની માંગ સાથે આજે મોરબી રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ ધર્મેન્દ્રકુમાર અને એલ.પી.યાદવને પત્રકાર એસોશિયેશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જે મોરબી રેલવેના અધિકારીઓએ સ્વીકારી પશ્ચિમ રેલવે હેડ ક્વાર્ટર ના જનરલ મેનેજર મુંબઈ ચર્ચ , ડી.આર.એમ.રાજકોટને રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
મોરબી રેલવે સ્ટેશન હાલ ૯ કરોડથી વધુના ખર્ચે આધુનિક બની રહ્યું છે. પરંતુ મોરબીમાં મોરબી-વાંકાનેર સુધી જ ડેમુ ટ્રેન જાય છે. તેના સિવાય અન્ય કોઈ ટ્રેન સુવિધા નથી. રાજકોટ-અમદાવાદ-મુંબઈની કોઈ ડેઇલી ટ્રેન કે લાંબા અંતરની કોઈ રેગ્યુલર ટ્રેન સેવા નથી. જેને લઇ પક્ષકાર એસો. મોરબી દ્વારા મોરબીને સૌરાષ્ટ્ર-કચ્છનો ટ્રેન વ્યવહાર જોડે, ગુજરાતની અન્ય ટ્રેનોનો મોરબીને લાભ મળે તેમજ મોરબીને રાજકોટ-અમદાવાદ- મુંબઈ ડેઇલી ટ્રેનો માટે કચ્છમાંથી અમદાવાદ અને મુંબઈ જતી ટ્રેનોને મોરબી ચલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. તેમજ ભુજ-બરેલી-દિલ્હી-ચેન્નાઇ ટ્રેન ચાલુ કરવા તેમજ ભુજ કામખીયા એક્સપ્રેસને મોરબી સાપ્તાહિક આવે છે. તેને પણ ડેઇલી કરવા માંગ કરવામાં આવી છે. આ અંગે પત્રકાર એસોસિએશન દ્વારા રેલવે મંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિતનાં અધિકારીઓને રજુઆત કરાઈ છે.