મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ભારત બેઝના શૉ રૂમ સામે અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત અનુસાર, મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક અકસ્માતની ઘટનામાં ૨૯ વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ રંજીતભાઈ માણસુરભાઈ હેરમા રહે. હાલ ઋષભ સોસાયટી મોરબી-૨ મૂળરહે. પાડાપાણ તા.ગઢડા જી.બોટાદ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા ૧૭/૧૨ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યે રણજીતભાઈના ભાઈ પરેશકુમાર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૧૪-એએચ-૯૧૦૧ વાળું મોટર સાયકલ લઈને નોકરીએથી પરત પોતાના ઘરે આવતા હોય ત્યારે ટીંબડી પાટીયા નજીક અજાણ્યા ટ્રકના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી પરેશકુમારના બાઇકને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં પરેશકુમારને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









