મોરબી જીલ્લામાં હાર્ટ એટેકના બે અલગ અલગ બનાવમાં એક યુવક અને પ્રૌઢનું મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યા છે, મોરબી શહેરમાં અને વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક સીરામીકમાં એમ બે સ્થળોએ છાતીમાં ગભરામણ બાદ હાર્ટ એટેક આવતા બંને વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા.
પ્રથમ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના જુના ઘુંટુ રોડ સ્થિત સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા ઉવ.૩૯ ગઈકાલ તા.૨૩/૦૭ના રોજ સિલ્વર પાર્ક સોસાયટી હનુમાનજીના મંદિર પાસે અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તથા ગભરામણ થવાની સાથે જ હાર્ટ એટેક આવતા બીપીનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મૃતકના પિતા નટુભાઈ નાગજીભાઈ સારેસા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક આવેલ લેટિસ જિન કેર કંપનીમાં રહેતા મૂળ ઓડીસ્સા રાજ્યના રેમેન્દા બાલનગરીના વતની પૃથિરાજ કુંભાર કુમારા મણી કુંભાર ઉવ.૫૭ વાળાને ગત તા.૨૨/૦૭ ના રોજ રાત્રીના ૧૧.૪૦ વાગ્યે છાતીમા ગભરામણ થતા સારવાર અર્થે ગીરીરાજ હોસ્પિટલ કુવાડવા ખાતે લઇ જતા ચાલુ સારવાર દરમ્યાન હાર્ટ અટેક (હદય રોગનો હુમલો ) આવતા પૃથિરાજ કુંભારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.