ઘરમાં ઘૂસી હુમલો કરી, યુવતીનું અપહરણ કર્યાનું ફરિયાદમાં ઉલ્લેખ
વાંકાનેર તાલુકાના ધમલપર ગામે વાડીમાં રહેતા યુવકના ઘરે મૈત્રી કરાર કરીને રહેતી યુવતીના લગ્ન માટેના ૧૫ લાખની લેતી દેતી મામલે યુવતીના ભાઈઓ તથા અન્ય શખ્સોએ હથિયારોથી હુમલો કરી મારઝૂડ કરી અને યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના ધમલપર ગામે રહેતા મનોજભાઇ હિરાભાઇ સરૈયા ઉવ.૨૪ એ સીટી પોલીસ મથકમાં આરોપી ગોપાલભાઇ ભુપતભાઇ બાંભવા, વિજયભાઇ ભુપતભાઇ બાંભવા રહે.બંને રાજકોટ તથા જગાભાઇ કાટોળીયા રહે.ઉંચી માંડલ તેમજ બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૩/૦૪ના રોજ પોતાના વાડે રહેણાંક મકાનમા હતા ત્યારે મધરાતે ઉપરોક્ત આરોપીઓએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીએ આરોપી ગોપાલ અને વિજયની બહેન સાથે મૈત્રી કરારના આધારે લગ્ન કરવાની વાત કરી હતી અને આરોપીના પિતાને રૂ. ૧૫ લાખ આપવાની વાત હતી. આ મુદ્દે આરોપીઓએ લાકડી, ધોકા, લોખંડના પાઇપ અને કુહાડી વડે ફરિયાદી તથા તેના માતા-પિતા અને સાહેદો ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી કિંજલબેનનું અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યારે સમગ્ર બનાવની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.