હળવદ તાલુકામાં ગઈકાલે સાંજના સમયે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે ગઈકાલે હળવદના રાણેકપર ગામે રાત્રીના સમયે કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં અગાસીની સેફ્ટી વોલ પર બેસેલ એક યુવક અગાસીની સેફ્ટી વોલ તુટતા નીચે પટકાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તેમજ એક નાની બાળકી પણ ઈજાગ્રસ્ત થઇ હતી.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ચાર દિવસોથી મોરબી જિલ્લામાં ઠેર-ઠેર વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લાનાં હાંકવાદમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું. અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઇ હળવદના રાણેકપર ગામે ગત રાત્રીના સમયે ચાલુ વરસાદે નબળો પડી ગયેલ અગાસીની સેફ્ટી વોલ તુટી પડી હતી. જેના કારણે અગાસીની સેફ્ટી વોલ પર બેસેલ યુવક પણ નીચે પટકાયો હતો. ત્યારે સેફ્ટી વોલનો કાટમાળ યુવકનાં માથા પર પડવાથી યુવાનને ગંભીર ઇજા થતા પ્રવિણ સામતભાઇ બાબરીયા નામના યુવાનનુ મોત નીપજ્યું હતું. તેમજ એક નાની બાળકી પણ ઇજાગ્રસ્ત થઇ હતી. જયારે બનાવને પગલે યુવાને હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ઘરના મોભીના મોતથી પરીવાર પર આફતના વાદળો ફાટી પડ્યા હતા