વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલા ડમ્પરના પાછળના ભાગે બાઇક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ મૃતકના ભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૬/૧૨/૨૦૨૫ના રોજ બપોરના અરસામાં લાકડધાર ગામના શિવમંદિર પાસે રોડ ઉપર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૩૬-કે-૩૦૬૫ના ચાલક ધીરેન્દ્રભાઇ ચુન્નુભાઇ તીવારી ઉવ.૩૫ રહે. હાલ રફાળેશ્વર તા.જી.મોરબી મુળ રહે.ચીરલી તા.નરવાલ જી.કાનપુરનગર (ઉત્તરપ્રદેશ) વાળા પોતાનું બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી જતા હોય તે દરમિયાન રોડની સાઇડમાં પાર્ક કરેલા ટાટા કંપનીના ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૪૯૪૯ના પાછળના ઠાઠામાં બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધીરેન્દ્રભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના ભાઈ મદનભાઇ તીવારીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતકક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









