મોરબી-હળવદ હાઇવે રોડ ઉપર બાઇક સવાર બે મિત્રોને અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક ટેન્કરે બાઇકને પાછળથી ટક્કર મારતા બંને મિત્રો રોડ ઉપર પટકાયતા પાછળ બેઠેલ યુવાન ઉપર ટ્રક ટેન્કરનો પાછળના ટાયરનો જોટ્ટો ફરી વળતા સ્થળ ઉપર તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવ બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા રમેશભાઇ કાનાભાઇ સીણોજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટેન્કર રજી.નં. જીજે-૦૬-વાય-૬૪૯૨ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૨/૦૯ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં રામેશભાઈનો પુત્ર અજય અને તેનો મિત્ર અક્ષયકુમાર બાઇક રજી. નં. જીજે-૩૬-એજી-૬૩૪૯ લઈને જતા હોય ત્યારે મોરબી-હળવદ રોડ નેક્સીઓન કારખાનાથી આગળ ઘુટુ ગામ તરફ જતા રોડ પર પહોચેલ ત્યારે ઉપરોક્ત ટેન્કર ટ્રક વાહનના ચાલકે પોતાના હવાલાવાળુ ટેન્કર ટ્રક વાહન ફુલ સ્પીડમા અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી પાછળથી મોટર સાઇકલને હડફેટે લેતા બંને મિત્રો અજય તથા અક્ષયકુમાર રોડ પર પડી જતા જેમા મોટર સાયકલની પાછળની સીટ પર બેસેલ અજયના માથા પર આ ટ્રક ટેન્કર વાહનના ટાયરનો જોટો ફરી જતા અજયનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક અક્ષયકુમારને સામાન્ય મૂંઢ ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું વાહન અકસ્માતના સ્થાકે રેઢું મૂકીને નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે અકસ્માતમાં મૃત્યુ અંગેના બનાવમાં આરોપી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.