માળીયા તાલુકાના ચીખલી ગામે ૨૪ વર્ષીય યુવક પોતાના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. જે દરમિયાન દવાની અસરથી તેમની તબિયત બગડતાં પહેલા જેતપર અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ૧૪ ઓગસ્ટે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગતો મુજબ, ચીખલી ગામના રહેવાસી નાશીમભાઈ ઇશાભાઈ પારેડી ઉવ.૨૪ ગઈ તા.૧૦/૦૮ના રોજ પોતાના કપાસના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. છંટકાવ દરમ્યાન જંતુનાશક દવાની અસર થતાં તેમની તબિયત ખરાબ થઈ હતી, જેથી તેઓને સૌ પ્રથમ જેતપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબિયત વધારે ગંભીર બનતા વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૧૪/૦૮ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા માળીયા(મી) પોલીસ સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.