મોરબીમાં વધુ એક ટ્રક યમદૂત બન્યો હતો અને એક યુવકનું જીવ હોમી ગયો હતો. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે અચાનક વળાંક વાળતા યુવકને હડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુની ટિબડી ગામ કોળીવાસ પાસે રહેતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડનો દીકરો દિલીપસિંહ ગત તા-૨૬/૦૬/૨૦૨૩ના સાંજે ટિંબડી પાટિયા પાસે આવેલ સોમનાથ વે-બ્રીજ ના પાર્કિંગમા હતો. ત્યારે સફેદ કલરની કેબીન વાળા ટાટા કંપનીના RJ-19-GF-8162 નંબરના ટ્રકનાં ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી અચાનક વળાંક વાળતા દિલીપસિંહને હડફેટમાં લઇ પછાડી દઇ માથાના તેમજ છાતી ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પિતા ચંદ્રસિંહ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં RJ-19-GF-8162 નંબરના ટ્રકનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.